RAINBLOG

સામાન્ય માનવીની અસામાન્ય કથાઃ અમિત દોશી

મે મહિનાના અંકમાં આ કૉલમ હેઠળ આપણે પૃથ્વી ઉપરની સપાટીના પાણીને બચાવવાના પ્રયત્નો વિશે જાણ્યું, પરંતુ શું તમે જાણો છો કે ભૂમિગત પાણીની સપાટી ધીમે ધીમે ઘટતી જાય છે! જો આ જ રીતે પૃથ્વીની અંદરનું પાણી ઘટતું જશે તો ભવિષ્યમાં કેટલી મોટી હોનારત સર્જાઈ શકે તેની કલ્પના માત્ર હચમચાવી દે એવી છે. સહજ રીતે આપણામાંના ઘણાને એવો વિચાર આવશે કે આપણા દેશમાં તો દર વર્ષે કેટલો સારો વરસાદ આવે છે. વળી વધુ વરસાદને કારણે કેટલીયવાર પાણી ભરાઈ જાય છે. તો પાણીની આટલી ખરાબ દુર્દશા કેમ? ભારત જેવો દેશ જ્યાં કુદરત દર વર્ષે લગભગ ચાર હજાર ઘન મીટર વર્ષા આપે છે છતાં આંકડા મુજબ ફક્ત આઠ ટકા જ જળસંચય થઈ શકે છે. આજના સિમેન્ટ-કોંકીટ યુગમાં આપણે ભૂમિની અંદર પાણીને જવાની કેટલી જગ્યા રાખીએ છીએ! આ કારણે વરસાદી પાણી નદી, નાળા દ્વારા સમુદ્રમાં વહી જાય છે. રેન વોટર હાર્વેસ્ટિંગની દિશામાં ઘણાં કાર્યો થઈ રહ્યાં છે. પરંતુ આ પદ્ધતિ ખર્ચાળ છે તેમ જ જગ્યા, સમય, મેઈનટેનન્સ, વીજળી બિલ વગેરે અનેક કોમ્પ્લિકેશન્સને કારણે સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ બને છે. ઈચ્છા હોવા છતાં, પાણીનું મહત્વ સમજવા છતાં તેઓ કંઈ કરી નથી શકતા અને પાણીની અછતનો સામનો કરે છે.

ગરમી આવતા જ કેટલાયે વિસ્તારોમાં પાણીની અછત વર્તાય છે જેનું મુખ્ય કારણ છે કુવા, બોરવેલ, હેન્ડપંપમાં પાણીના સ્તર ઊંડાં ઊતરી જાય છે. તેમ જ ઘણાખરા તો સુકાઈ પણ ગયા છે. નીતિ આયોગના ૨૦૧૮ જૂનના રિપોર્ટ પ્રમાણે ભારત ઈતિહાસની સૌથી ખરાબ જળસંકટની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. લગભગ ૬૦ કરોડ લોકો આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જોકે આપણને રિપોર્ટ જોવાની ક્યાં જરૂર છે. બેંગ્લોરના સૂકાયેલા બોરવેલ કે પછી હાલમાં જ રાજસ્થાનના બિકાનેરના સહજરાસર ગામમાં રાતોરાત જ ૨૦૦ ફૂટ ઊંડો ખાડો પડી ગયો, પાણીના સ્રોતના સુકાવવાથી પાંચ એકર જમીન ધસી ગઈ. તેની જાણ આપણને છે જ ને.

ભૂમિગત જળસંચયની સ્થિતિ આમ જ ઘટતી રહી તો એ દિવસ દૂર નહિ રહે જ્યારે સમગ્ર પ્રજાતિ પાણી માટે વલખાં મારશે. તમને થશે આ માટે આપણે શું કરી શકીએ!!! તમને જણાવી દઉં કે સ્થિતિ હજી આપણા હાથમાં છે, કઈ રીતે તે આપણે આ લેખમાં જોઈએ. આજે આપણે એવા વ્યકિતની મુલાકાત કરી રહ્યા છીએ જેમણે પાણી બચાવવાના દ્રઢ નિશ્ચય સાથે સામાન્ય વ્યક્તિના શુદ્ધ પાણી મેળવવાના સંઘર્ષને ખતમ કરવા બાય ઘરી છે. વરસાદી પાણીને બચાવવા દરેકની પહોંચમાં આવે એવું સસ્તું- સરળ ડિવાઈઝ ઈન્વેન્ટ કરી આજ સુધી ૧૫૦ અબજ લિટર પાણી બચાવવાની સાથે ભૂજળની માત્રા અને ગુણવત્તા પણ સુધારી છે. આ માટે તેમને ઘણા એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ અમિત દોશીની અસામાન્ય કથા વિશે.

પર્યાવરણને જ પોતાનું પૅશન માનતા અમિત પ્લાસ્ટિક એન્જિનિયર બની સત્યાવીશ વર્ષ સિન્ટેક્સ કંપનીની પોતાની કારકિર્દીમાં એક પછી એક પ્રમોશન દ્વારા સફળતાનાં શિખરો સર કરી વેલ સેટલ્ડ લાઈફ જીવી રહ્યા હતા. પરંતુ તેમની મહત્વકાંક્ષા તો જુદી જ હતી. કહેવાયને ગુજરાતીના રગેરગમાં વેપાર હોય. તેમની ઇચ્છા બિઝનેસ કરવાની તો હતી જ. પરંતુ પર્યાવરણ ક્ષેત્રે વ્યક્તિગત જીવનની સાથે સાથે સામાન્ય જીવન, સમાજ સેવા, દેશહિતમાં ઉપયોગી બની શકે તેવો વેપાર કરવાનો તેમનો સંકલ્પ હતો. આ સ્વપ્નને સાકાર કરવા જોમ સાથે પર્યાવરણના કયા ક્ષેત્રમાં વેપાર કરવો તે માટે અભ્યાસ કરવાનું આરંભ કર્યું. પોતાના આ અભ્યાસના તારણ વિશે વ।ત કરતા તેઓ કહે છે, વરસાદી પાણી વિષય પર થિસિસ લખવો હોય તો ઈન્ટરનેટ પર વાખો પેપર્સ મળી રહે છે. પરંતુ એક પણ એવી કંપની નહિ મળે જેમણે સામાન્ય માનવીને પાણીથી સમૃદ્ધ બનાવવા માટે સરળ-સસ્તો કોઈ ઉપાય કર્યો હોય. મને આ ક્ષેત્રે બહુ મોટી ગેપ દેખાઈ વરસાદી પાણીની બાબતમાં આપણો દેશ અતિ સમૃદ્ધ છે. કુદરત દર વર્ષે આપણને ભરપૂર પાણી આપે છે. પરંતુ તેમાંનું મોટાભાગનું પાણી એમનેમ જ વહીને વેડફાઈ જાય છે. સામાન્ય વ્યક્તિને તેને મચાવવાની ઇચ્છા હોય છે પણ તેમની પાસે વિકલ્પનો અભાવ હોવાથી પાણી માટેના સંઘર્ષમાં જીવન વ્યતિત કરવું પડે છે. આ સર્વ પરિબળોને ધ્યાનમાં રાખી લોકોના જીવનને પાણીથી સમૃદ્ધ બનાવવાનો નિર્ણય કર્યો.

પેશન અને ફોક્સથી રિસર્ચ કર્યા બાદ ૨૦૧૪માં કોર્પોરેટ કરીઅરને અલવિદા કરી પોતાના ઘરથી જ “વર્ધમાન એન્વાયરટેક” કંપનીની સ્થાપના કરી રેન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કામ શરૂ કર્યું. તેમાં સફળ પણ થયા. “આ સફળતા ફક્ત મોટા મોટા પ્રિમાઈસીસ પૂરતી સીમિત બની ગઈ. આ વાતથી મારું મન કચોટવા લાગ્યું. હું અસંતુષ્ટી અનુભવવા લાગ્યો અને મેં ફરી આ ક્ષેત્રે રિસર્ચ આદર્યું.” આખરે ૨૦૧૮માં સામાન્યમાં સામાન્ય માનવી શુદ્ધ વરસાદી પાણીથી પોતાના જળસંચયના સ્ત્રોતને સમૃદ્ધ કરી શકે તે માટેનું ડિવાઈઝ બનાવી “નિરેન’ નામની નવી કંપનીની સ્થાપના કરી. પોતાના આ ઉપકરણની વાત કરતા તેઓ કહે છે, “આ એક એવું સરળ અને કોમ્પેક્ટ (૧ ફૂટ બાય દોઢ ફૂટનું) ડિવાઈઝ છે જે નજીવા ખર્ચે કોઈ પણ પ્રકારના માનવીય પ્રયત્નો વિના ફક્ત લોકલ પ્લંબર દ્વારા સરળતાથી તોડફોડ કર્યા વિના દીવાલ પર લાગી જાય. ઝીરો મેઈનટેનન્સ તેમજ વીજળીના ખર્ચ વિના ચાલતું આ ડિવાઈઝ ધાબા પરથી આવતા પાઈપમાં લગાવી તમારા પાણીના સ્ત્રોત સાથે જોડાઈને તેને શુદ્ધ વરસાદી પાણીથી ભરી દેશે. આમાં બે પ્રકારના ફિલ્ટર ઉપલબ્ધ છે. સ્ટેઈનલેસ સ્ટીલ (SS) વાળું ફિલ્ટર જે આજીવન ચાલે અને બીજું HDP વાળું ફિલ્ટર જે ૮થી ૧૦ વર્ષ સુધી ચાલે. ત્યારબાદ તેનું કપડું બદલવું પડે જેની કિંમત ફક્ત ૨૫૦ રૂપિયા છે. આ ફિલ્ટર માઈક્રોલેવલના છે જેમાં ઝીણામાં ઝીણી અશુદ્ધિઓ પણ ગળાઈ જાય છે.”

અમિતભાઈ દૃઢતાપૂર્વક માને છે કે સારા આશયથી લોકોના ભલા માટે કામ થતું હોય ત્યાં રસ્તાઓ આપોઆપ મળતા જાય. ડિઝાઈનિંગ થઈ, પેટેન્ટ લીધી, મોલ્ડ રેડી થયું, પરંતુ ત્યારબાદનો મહત્ત્વનો પ્રશ્ર્ન હતો ફંડનો. “સદ્દનસીબે તે જ વખતે એચડીએફસી બેન્કની માનવીના જીવનને સકારાત્મક બદલાવ લાવવાવાળા સ્ટાર્ટઅપની સ્પર્ધા હતી. જેમાં અમને દસ લાખ એક્યાશી હજારનું અનુદાન મળ્યું. તેમાં અમારાં નાણાં ઉમેરી કામને આગળ ધપાવ્યું અને એ ઘડી આવી જ્યારે અમે નિરેનને ઓફિશિયલી લોન્ચ કર્યું.”

વાચકો, શું તમે જાણો છો તે સમય કયો? તે સમય હતો કોવિડનો, જ્યારે લોકો ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમિતભાઈ પોતાનો પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા હતા. અમિતભાઈ એમ કાંઈ હાર માનીને બેસે એમાંના થોડા હતા. કોવિડના સમયને કારણે લોકો ઘણો ખરો સમય સોશિયલ મીડિયા પર રહેતા. બસ, તેમણે આને જ તક બનાવી. તેમણે ડિજિટલ અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાના ડિવાઈઝનું પ્રચાર- પ્રસાર કર્યું. “આનાથી અમને બહોળો પ્રતિસાદ મળવા લાગ્યો. લોકો અમારા પ્રોડક્ટને પસંદ કરવા લાગ્યા. એક વર્ષમાં અમે ૧૬ લાખને વેપાર કર્યો. તેનો આનંદ તો હતો પરંતુ અમારું લક્ષ્ય તો ઘરે ઘરે શુદ્ધ પાણી મળી રહે અને આખા વર્ષ દરમિયાન તેમને પાણીની અછતનો સામનો ન કરવો પડે તે છે. હજી કરોડો ઘરો છે જેમને પાણીની સમસ્યાનો રોજબરોજ સામનો કરવો પડે છે.”

પોતાની દુવિધા વર્ણવતા આગળ તેઓ લોકોની માનસિકતાની વાત કરે છે. “નાનપણથી જ આપણે પાણી બચાવો, વૃક્ષો વાવો, સ્વચ્છતા રાખો, જલ હૈ તો કલ હૈ જેવા શબ્દો એટલી બધી વાર સાંભળ્યા છે કે તે પોતાની સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છે. આજ કારણ છે કે પાણી જેવી સેન્સિબલ અને મહત્ત્વની વસ્તુ જેને આપણે જીવન કહીએ છીએ તેના પ્રત્યે લોકો બેધ્યાન બની ગયા છે. દુનિયાને રેન વોટર હાર્વેસ્ટિંગ શીખવનાર આપણા દેશના લગભગ પંચાવન ટકા લોકો પાસે આજે પાણી નથી. આ કારણે અમે અમારો નરેટિવ બદલી લોકોનું ધ્યાન જળસંચય પર કેન્દ્રિત કર્યું. અહીં રેન વોટર હાર્વેસ્ટિંગની જેમ વરસાદના પાણીને જમીનમાં છોડવાની વાત નથી. અમે તમારા પાણીના સ્ત્રોતને જીવંત રાખવાના ડિવાઈઝની વાત કરીએ છીએ. અમારા ડિવાઈઝને વરસાદી પાણીના પાઈપ સાથે લગાવવાથી ચોખ્ખું વરસાદી પાણી બોરમાં સંગ્રહ થશે. બોરમાં પાણીનો સ્તર વધશે, તે ક્યારેય સૂકાશે નહીં. આ પાણીમાં ટીડીએસ અને હાર્ડનેસ નથી હોતા તેથી પાણીની ગુણવત્તા શુદ્ધ થશે. આવાં વાક્યોમાં લોકોને પોતાની પાણીની તકલીફનો ઉપાય દેખાયો.”

વાતનો દોર આગળ વધારતા આપણા દેશની પાણીની સમસ્યાના મુદ્દા પર પ્રકાશ પાડતાં અમિત કહે છે, “આજે આપણે જળસંચયનો રસ્તો ભૂલ્યા છીએ કે પછી કહું કે અવગણીએ છીએ તેથી જ આ સમસ્યા દિવસે દિવસે વિકટ બનતી જાય છે. આના અનેક ઉદાહરણ આપણી સમક્ષ છે જ. બેંગ્લોરના ચૌદ હજાર બોરવેલમાંથી સાત હજાર બોરવેલ સૂકાઈ ગયા છે. વળી જે બોરવેલમાં પાણી છે તેના સ્તર ઊંડાં ઊતરી ગયાં છે. ચેન્નાઈના બોરવેલના સ્તર ૧૫૦૦ ફૂટથી ૧૮૦૦ ફૂટ, અમદાવાદમાં ૧૫૦ ફૂટથી ૬૦૦ ફૂટ પહોંચી ગયા છે. બીજા પ્રદેશોમાં પણ સ્થિતિ વણસી રહી છે. તમને એ વાતથી અવગત કરાવું કે પાણીના સ્તર નીચે જવાથી જે પ્રકારનાં તત્ત્વો પાણીમાં આવે છે તે પીવા યોગ્ય પણ નથી હોતાં. પાણીમાં ટીડીએસ અને હાર્ડનેસના લેવલ વધી ગયા છે. નોર્થ ઈસ્ટમાં પાણીમાં આર્સેનિક મળવા માંડ્યું જે કેન્સરનું તત્વ છે. ગુજરાતના મહેસાણાથી લઈ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પાણીમાં ખૂબ જ હેવી ફ્લોરાઈડ મળે છે. મહારાષ્ટ્રના અમુક ભાગમાં પાણીમાંથી

યુરેનિયમ મળ્યું. જેટલા ઊંડા જશું તેટલી પાણીની ગુણવત્તા ખરાબ થશે. વળી આવા પાણીને પીવાલાયક બનાવવાની પ્રક્રિયામાં લગભગ ત્રણ ઘણું પાણી વેડફાય છે. આમ જ ચાલતું રહ્યું તો દસ-વીસ વર્ષ પછી આપણે ૩૦૦૦ ફૂટ પહોંચી જશું અને તેલ મળતું થઈ જશે, મોટી હોનારત સર્જાશે.

પાણી એ વૈશ્વિક સમસ્યા જરૂર છે. પણ તેનું સમાધાન લોકલ સ્તરે જ શક્ય છે. હજારો લોકો સમસ્યા વિશે વાત કરે છે પરંતુ સમાધાન વિશે કોઈ બોલતું નથી. આ સર્વેનું સરળ સમાધાન છે વરસાદી પાણી.”

ઉત્સુક્તાથી અમિત કહે છે, “વરસાદી પાણી આપણા જીવનને જુદી-જુદી રીતે ફાયદાકારક છે. મારા પર વિશ્વાસ ન કરતા. આ માટેના હજારો લેખ મળશે, તમે પોતે જ તે વાંચો. પહેલાના સમયમાં લોકો વરસાદી પાણી પીતા જેથી તેમની ઈમ્યુનીટી-રોગ પ્રતિકારક શક્તિ સારી રહેતી. આજે તો પાણી બદલાતા લોકો બીમાર પડી જાય છે. વળી આર.ઓ.ના પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. વરસાદી પાણી તમારી B-12, D-3ની ઊણપને પણ દૂર કરે છે.

કુદરત તરફથી મળતાં આ અણમોલ પાણીને તમે વાપરો અને વધારાના પાણીને મધરઅર્થને આપી દો. જેથી પાણીની સાઈકલ પૂરી થાય. બસ આ જ કામ કરે છે

અમારું ડિવાઈઝ. “નિરેન’ જેવું ડિવાઈઝ લગાવી તમે ફક્ત તમારા જળસ્ત્રોતને જ જીવંત નથી રાખતા, સાથે આ પાણી આજુબાજુની ટ્રિબ્યૂટરીઝ અને નદીઓની શાખાઓ પકડી લે. જમીનની અંદર પાણી જવાથી ભેજ વધે, જમીન ઉપજાઉ બને, સારી ખેતી થાય. આવું સરળ સમાધાન છે.

જે તે ક્ષેત્રનો જળસ્ત્રોત સુરક્ષિત થતા ક્ષેત્રનો વિકાસ થશે. સમાજ પ્રગતિ કરશે. ગ્રાસરૂટ લેવલનો માણસ જ્યારે પાણીથી સુરક્ષિત થાય, ખુશ રહે તેને જ તો દેશની પાણીની સમૃદ્ધિ કહેવાશે. જે દિવસે વ્યક્તિને થશે કે આ ઉપાય ખરેખર કરવા જેવો છે ત્યારે અમને થશે કે અમે અમારું કામ કરી લીધું.

અમિતના આ ડિવાઈઝે ફક્ત ભારતમાં જ નહિં, વિશ્વના અન્ય દેશોમાં પણ પાણી જેવી જટીલ સમસ્યાનું નિરાકરણ કરી લોકોનું જીવન સુધાર્યું છે. બિઝનેસમેનની દ્રષ્ટિએ તો તેઓ સફળ થઈ ગયા છે પરંતુ તેમની ખરી જીત તો વિશ્વમાં પાણીની સમસ્યાનો અંત લાવવાની છે. મૃત જળસંચયને વરસાદી પાણીથી જીવંત કરવાની અને ભૂજળના સ્તરને સુધારી વિશ્વને ફરી હરિયાળું બનાવવાની છે. અમિતનાં શબ્દોમાં કહીએ તે, “કોઈને પણ ક્યારેય પાણીની અછતનો સામનો ન કરવો પડે એ પુણ્ય જ અમારી ખરી સંપત્તિ બનશે.”

This blog is published by: –

Kutch Gurjari

We would like to spread this for the benefit of fellow Indians.

Publish On: June 2024

Author: Ayushi Mehta

Share this: