RAINBLOG

ગુજરાતીએ બનાવેલી પ્રોડક્ટની US સહિત 5થી વધુ દેશોમાં માગ : મોટા પેકેજની નોકરી છોડી વોટર હાર્વેસ્ટિંગ માટે પાણી સાફ કરતું સસ્તું ડિવાઇસ બનાવ્યું, કંપનીનું ટર્નઓવર કરોડોમાં

ચોમાસાની શરૂઆતથી જ દેશનાં અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ જોવા મળી. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદના કારણે ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. પરંતુ બીજી તરફ ચોમાસા સિવાય દેશભરમાં પાણી માટે ઘણા લોકોને વલખાં મારવાં પડે છે. પાણી એ આપણી મૂળભૂત જરૂરિયાતોમાંનું એક છે. પરંતુ અવ્યવસ્થાના કારણે પાણી જીવલેણ મુસીબત પણ બની શકે છે. આવી પરિસ્થિતિનો વિચાર કરીને એક ગુજરાતી યુવાન અમિત દોશીએ પોતાની સૂઝબૂઝથી એક ખાસ પ્રોડક્ટ બનાવી છે.

17 વર્ષ ખાનગી કંપનીમાં કામ કર્યું, વિદેશમાં જઈને પણ નોકરી કરી આવ્યા, છેવટે હિમ્મતભેર એક પગલું ભર્યું અને આ ગુજરાતીએ એવી કંપની બનાવી જેનું ટર્નઓવર હવે કરોડોમાં છે. કારણ કે તેમણે પોતાના અનુભવના આધારે બનાવેલી એક વસ્તુની જરૂર આજના સમયે એટલી જરૂરી છે કે મોટા-મોટા બિલ્ડર પણ તેમનો સંપર્ક કરી રહ્યા છે. અમેરિકા સહિત વિશ્વના 5થી પણ વધુ દેશોમાં પણ આ પ્રોડક્ટની માગ છે.

અમિત દોશીએ કહ્યું, ‘મારું મૂળ વતન વિજાપુર છે. અત્યારે અમદાવાદ રહું છું. મેં વર્ષ 1996 ગવર્નમેન્ટ પોલિટેક્નિકમાંથી ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક એન્જિનિયરિંગ પૂરું કર્યું હતું. ત્યાર બાદ વર્ષ 1997થી 2001 સુધી મેં સિન્ટેક્સ કંપનીમાં નોકરી કરી હતી. ત્યાર પછી નાઈજીરિયાની એક કંપનીમાં એક વર્ષ સુધી કામ કર્યું પરંતુ પિતાનું અવસાન થતાં હું પરત ફર્યો હતો અને ફરી સિન્ટેક્સ કંપનીમાં વર્ષ 2002થી 2014 સુધી કામ કર્યું હતું. જ્યાં ટેક્નિકલ સર્વિસ ડિપાર્ટમેન્ટથી શરૂ કરી એન્વાયરમેન્ટલ ડિવિઝનના માર્કેટિંગ હેડ તરીકે નોકરી કરી. મુખ્યત્વે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું કાર્ય હું સંભાળતો હતો.’

વરસાદી પાણીને વોટર હાર્વેસ્ટિંગ માટે સાફ કરવા ડિવાઈસ બનાવનાર અમિત દોશી.

‘જ્યારે વર્ષ 2014માં મેં નોકરી છોડવાનો વિચાર કર્યો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે આગળ શું કરવું? પોતાનો બિઝનેસ કરવાનો વિચાર હતો. બિઝનેસ પણ એવો જે સામાન્ય માણસની તકલીફને દૂર કરે. મેં અલગ-અલગ વિષયો પર અભ્યાસ કર્યો. પર્યાવરણમાં એફ્લૂઅન્ટ ટ્રીટમેન્ટ, સુએજ ટ્રીટમેન્ટ, વોટર ડિસ્ટ્રિબ્યુશન, વોટર પૉલ્યુશન, એર પૉલ્યુશન, વોટર મોનિટરિંગ આવાં અનેક ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં બિઝનેસ થઈ રહ્યો છે. આ સ્ટડી કર્યા પછી મને લાગ્યું કે નોકરી છોડ્યા બાદ બિઝનેસ કરીશ તો મારી પાસે તેને શરૂ કરવા માટે રૂપિયા નથી. મારી પાસે ફક્ત મારો અનુભવ છે. મારી આવડત, કામ કરવાની બૌદ્ધિક ક્ષમતા છે, માર્કેટિંગની આવડત અને પર્યાવરણ પ્રત્યે મારું પેશન છે. ત્યારે વિચાર આવ્યો કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ એક એવો વિષય છે જેને લઈને હજી પણ લોકો જાગૃત નથી. ભારતના મોટાભાગના લોકોએ હજુ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કોન્સેપ્ટને અપનાવ્યો નથી. આપણે ત્યાં સારો એવો વરસાદ થતો હોવા છતાં પણ 60 ટકાથી વધુ વસતિ પાણીની તંગી ભોગવી રહી છે. પાણી લેવા દૂર-દૂર જવું પડે છે. આપણા દેશે તો દુનિયાને વાવ જેવાં સ્થાપત્યો દ્વારા વરસાદી પાણીના સંગ્રહનો વિચાર સદીઓ પહેલાં આપી દીધો હતો. પણ આજની પરિસ્થિતિ કથળી ગઈ. કારણ કે એ સિદ્ધાંતો આપણે મોડર્ન સ્ટાઇલમાં અપનાવી ન શક્યા. આજના સમયની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર ન કર્યા. જેના કારણે આપણે એ તરફ પછાત રહી ગયા. મને થયું કે આ ક્ષેત્રે ખૂબ કામ કરવાનું બાકી છે. આમાં કંઈક કરીએ તો સામાન્ય માણસની પાણીની તકલીફ દૂર કરી શકીએ.’

ધાબા પરથી પડતું પાણી સાફ કરતું ડિવાઈસ
‘નોકરી છોડ્યા પછી વરસાદી પાણીના સંગ્રહ પર અભ્યાસ કરીને કન્સલ્ટિંગનું કામ શરૂ કર્યું. વર્ષ 2014થી 2018 સુધી વરસાદી પાણીના સંગ્રહને લગતા કામકાજ અને અલગ-અલગ પ્રોડક્ટસ શરૂ કરી. આ દરમિયાન વિચાર આવ્યો કે સામાન્ય લોકો હજુ પણ બોરવેલ કે પાણીના એક જ સ્ત્રોત પર નિર્ભર છે. બોરવેલ સુકાઈ જાય કે ઓછું પાણી આવે તો લોકોને ઘણી મુશ્કેલી થાય છે. જ્યારે એ જ વિસ્તારમાં ચોમાસામાં સારો એવો વરસાદ પણ થાય છે. પરંતુ આ પાણીના સંગ્રહ માટે એવી કોઈ વસ્તુ નથી. મેં આ દિશામાં કામ શરૂ કર્યું. મને થયું કે એવું કોઈ નાનું ડિવાઇસ બનાવીએ જેનાથી ધાબા પર રહેલો કચરો વરસાદી પાણીમાંથી દૂર થઈ જાય અને વરસાદી પાણી આપમેળે જ સંગ્રહિત થઈને વાપરવા મળે તો જીવન ખૂબ સરળ થઈ જાય.’

અમિત દોશીએ ડિઝાઈન કરીને બનાવેલું ડિવાઈસ

નજરે ન પડતો કચરો પણ આવી રીતે સાફ થઈ જાય
અમિત દોશી જણાવે છે કે, ‘આ ડિવાઈસ બનાવતા પહેલાં અમે વરસાદી પાણી માટેના અલગ-અલગ ચેમ્બર્સ અને ફિલ્ટર્સનો અભ્યાસ કર્યો. જેના જે પણ તારણો આવ્યાં તેનાથી નક્કી કર્યું કે એવું ડિવાઈસ બનાવીએ જે સસ્તું હોય, વૈજ્ઞાનિક રીતે પણ સારી ક્વોલિટીનું હોય, વધુ પડતી જગ્યા ન રોકે, દીવાલ પર લાગી જાય, વરસાદી પાણીનો સંગ્રહ થતો હોય તેને મૉનિટર કરી શકાય, કોઈ પણ મેન્ટનન્સ ન આવે, ઝીણામાં ઝીણો કચરો ફિલ્ટર થઈ જાય, પાણીનો વેડફાટ ન થાય, કોઈ પણ પ્લમ્બર તેને સરળતાથી લગાવી શકે. આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક બાય દોઢ ફૂટના ડિવાઈસની ડિઝાઈન તૈયારી કરી. જેમાં બધું જ પાણી 400 માઈક્રૉનના પહેલા ફિલ્ટરમાંથી અને 200 માઈક્રૉનમાં બીજા ફિલ્ટરમાંથી પસાર થાય છે. એટલે નાનામાં નાના કણ પણ અને કચરો રોકાઈ જાય છે. આમ શુદ્ધ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે છે. એ પાણી પાઇપ દ્વારા સીધું જ ટાંકી, બોરવેલ અથવા કૂવામાં લઈ શકાય. આ પ્રક્રિયામાં એક પણ ટીપું વેડફાતું નથી.’

ધાબા પરથી કેટલું ચોખ્ખું પાણી મળે?
‘1200 સ્ક્વેર ફૂટનું ધાબું હોય તો 2 ઈંચ વરસાદમાં 4 હજારથી સાડા 4 હજાર લિટર પાણી મળે. અમદાવાદનું ઉદાહરણ આપું તો આખી સિઝન 60થી 65 હજાર લિટર પાણી મળે. એ પાણી શુદ્ધ હોય છે, સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે. ફ્લેટમાં જો 5 હજાર સ્ક્વેર ફૂટનું ધાબું હોય તો 2 ઈંચના વરસાદમાં 25 હજાર લિટર પાણી મળે. એટલે આખી સિઝન 3 લાખ લિટર પાણી મળે. આ પાણીનું સંચય ન કરવામાં આવે તો ધાબા પરથી જમીન પર આવે અને રસ્તા પર પાણી ભરાઈ જાય. એટલે એ જ પાણી આપણને ઘણું નુકસાન કરે છે. અમે બનાવેલું ડિવાઈસ લગાવવાથી પહેલાં જ વર્ષે 5 હજાર રૂપિયામાં 60 હજાર લિટર પાણી મળે છે. એની એક લિટરની કિંમત શું થઈ? સાવ નજીવી!’

આવી રીતે બોરવેલમાં પહોંચે છે વરસાદી પાણી
‘બોરવેલમાં 4થી 6 ઈંચની એક કેસિંગ પાઇપ હોય છે. જેમાં એક કોલમ પાઇપ હોય. તેના છેડે સબમર્સિબલ પંપ પાણીમાં ડૂબેલો હોય છે. એ પંપ દ્વારા કોલમ પાઇપ મારફતે પાણી આપણને મળે છે. જ્યારે વરસાદી પાણી ધાબાથી નીચે આવે તેની લાઇનમાં વોટર ફિલ્ટર લગાવી દેવામાં આવે છે. જેથી પાણી ચોખ્ખું થઈ જાય છે. આ પાઇપને બોરવેલની મોટી કેસિંગ પાઇપ સાથે જોડી દેવામાં આવે છે. જેથી વરસાદનું પાણી ચોખ્ખું થઈને બોરવેલમાં જતું રહે. જેના કારણે બોરવેલના પાણીના તળ ઉપર આવે છે અને આખું તળ રિજનરેટ થઈ જાય છે. એટલે બોરવેલને સુકાતો બચાવે છે. બોરવેલના પાણીનું TDS અને હાર્ડનેશ ડાયલ્યુશન ઇફેક્ટથી ઘટે છે.

આ ડિવાઈસમાં લાગેલા ફિલ્ટરને કોઈ પણ વ્યક્તિ આસાનીથી ખોલીને સાફ કરી શકે છે.

ક્યાં-ક્યાં છે આ ડિવાઈસની માગ?
‘અમે નિરેન નામથી ડિવાઈસ લોન્ચ કર્યું હતું. 3 વર્ષમાં 4 હજારથી વધુ ડિવાઈસનું ઈન્સ્ટોલેશન થયું છે. દેશમાં સૌથી વધુ વેચાણ ગુજરાતમાં છે. એ પછી કર્ણાટક, મધ્યપ્રદેશ તમિલનાડુ, કેરળ અને રાજસ્થાનમાં થાય છે. વિદેશમાં આફ્રિકા, નોર્થ અમેરિકા, નેપાળમાં પણ ડિવાઈસ ઇન્સ્ટોલ કર્યા છે. વિદેશમાં સૌથી વધુ 200 ડિવાઈસ નોર્થ અમેરિકામાં લગાવ્યાં છે. કુલ હિસાબ લગાવીએ તો અલગ-અલગ જગ્યાએ થઈને અત્યાર સુધી લગભગ 90 કરોડથી વધુ લિટર પાણી બચ્યું છે. આ સિઝનના આંકડા ઉમેરીએ તો કદાચ 125 કરોડ લિટર સુધી આંકડો પહોંચશે.’

ડિવાઈસની કિંમત અને ઈન્સ્ટોલેશન
‘1200 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કામમાં આવતું આ ડિવાઈસ 2950 રૂપિયામાં મળે છે. તેની સાથે પ્લમ્બિંગનો ખર્ચ થાય. એટલે 6 હજાર રૂપિયાની અંદર ડિવાઈસ લાગી જાય. 20 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની વીજળી કે મેન્ટનન્સ જેવો ખર્ચ આવતો નથી. કોઈ પણ પ્લમ્બર કે સામાન્ય વ્યક્તિ 4 સ્ક્રૂ મારફતે તેને દીવાલમાં લગાવી શકે. ટેક્નિકલ 4 ઈંચનો આઉટલેટ અને 4 ઈંચનો ઇનલેટ છે. મોટાભાગના ઘરમાં સરળતાથી લાગી જાય છે.’

અમિત દોશીએ બનાવેલી પ્રોડક્ટથી વરસાદી પાણીને સાફ કરીને તેનો ટાંકીમાં પણ સંગ્રહ કરી શકાય છે.

’80 ટકા પ્રોડક્ટ અમે રહેણાક મકાનમાં લગાવી છે. જેમાં મોટાભાગના મધ્યમ વર્ગના લોકો ગ્રાહક હોય છે. જ્યારે 20 ટકા ડિવાઈસ અમે ઇન્ડસ્ટ્રીમાં લગાવ્યાં છે. ગુજરાતમાં સૌથી વધુ માગ વડોદરામાં જોવા મળી. ત્યાં આસપાસ નવા ડેવલપમેન્ટ બોરવેલ પર આધાર રાખે છે. બોરવેલ સુકાઈ જવાની ફરિયાદો હતી. હવે બોરવેલ રિચાર્જ થયા એટલે આખું વર્ષ પાણી ઘટતું નથી. ગામડામાં જેમને પોતાના બોર છે એ લોકો, જ્યારે શહેરમાં સંસ્થાઓ અને બંગલામાં રહેતા લોકો વધુ પ્રોડક્ટ લે છે. શરૂઆત કરી એ વર્ષે એટલે કે 2020 માં 5 લાખનું ટર્ન ઓવર હતું. ગયા વર્ષે એક કરોડ રૂપિયાનું ટર્નઓવર ક્રોસ કર્યું. આ વર્ષે ડબલ કરવાનો ટાર્ગેટ છે.’

સરકારે પણ જળ સંચય માટે નિયમ બનાવ્યા છે
અમિત દોશીએ એક કિસ્સો યાદ કરતા કહ્યું, ‘બિલ્ડર સાથે વાત કરીએ ત્યારે તેઓ કહે છે કે, અમે સરકારના નિયમોનું પાલન કરવા માટે જળસંગ્રહની વ્યવસ્થા કરીએ જ છીએ. પણ નિયમોના કારણે થતાં આ કામના લીધે કેટલીક વખત જળસંગ્રહની વાત ફક્ત કાગળ પર જ રહી જાય છે. અમદાવાદમાં દર વર્ષે અંદાજે 15 ટકા બોરવેલ સુકાઈ જાય છે. આ મુશ્કેલીનો સરળતાથી નજીવા ખર્ચે ઉકેલ લાવી શકાય એમ છે.’

‘માત્ર પત્નીને જ જાણ હતી કે નોકરી છોડી દીધી છે’
બે અલગ-અલગ કંપનીઓમાં થઈને લગભગ 17 વર્ષ નોકરી કર્યા બાદ પોતાનો બિઝનેસ શરૂ કરવામાં કેવી મુશ્કેલીઓ આવી, તે અંગે વાત કરતા અમિત દોશી કહે છે કે, ‘મેં સિન્ટેક્સમાં નાના ડસ્ટબિનથી લઈને 300 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. પરંતુ જ્યારે નોકરી છોડી પોતાનો ધંધો કરવાનો વિચાર આવ્યો ત્યારે નક્કી કર્યું હતું કે ક્યારેય હું બિઝનેસ નહીં કરું. કારણ કે વર્ષ 1997થી બનાવેલી ગુડવિલ અને સંબંધોનો સવાલ હતો. મેં નોકરી છોડી, ત્યારે 2 વર્ષ સુધી ઘરમાં કેટલા રૂપિયાની જરૂર પડશે તે નક્કી કરીને 4 લાખ રૂપિયા અલગ રાખી દીધા હતા. નોકરી છોડી તેની બે વર્ષ સુધી મારા ઘરમાં પત્નીને જ જાણ હતી. કારણ કે જો આ વાત બહાર જાય તો બીજા લોકો કહેતાં કે આટલી સારી નોકરી કેમ છોડી? લોકોને નોકરી મળતી નથી. આવા સવાલોથી હું બચી ગયો. કારણ કે આવી વાતોથી મારી અને પરિવારની માનસિકતા પર નકારાત્મક અસર થઈ શકે. નોકરી છોડ્યા બાદ મને એ જ કંપનીમાંથી ફોન આવ્યો. હું મળવા ગયો ત્યાં મને કહેવામાં આવ્યું કે, તમે અમારી કંપની કરતાં અલગ ફિલ્ડમાં કામ કરો છો. એટલે તમે અમારી સાથે રહીને કન્સલ્ટિંગનું કામ કરી શકો છો. જેના 50 હજાર રૂપિયા મહિને નક્કી થયા. એટલે મારે ઘરનું ટેન્શન વધુ હળવું થઈ ગયું.’

છેલ્લાં ચાર વર્ષમાં ઘણાં રહેણાક મકાનો અને સંસ્થાઓની ઈમારતોમાં જળ સંચય માટે આ પદ્ધતિ અપનાવવામાં આવી છે.

‘મારા બિઝનેસ માટે બે વર્ષ સુધી ઘરેથી કામ કર્યું. એ પછી 2016માં એક ઓફિસ ભાડે લીધી અને પોતાની પ્રોડક્ટ બનાવવા પર ફોકસ કર્યુ. વર્ષ 2018થી પોતાની ઓફિસ લીધી. ત્યારે જ મેં ડિવાઈસની ડિઝાઈન બનાવી હતી.’

AMC સાથે પણ કરાર કર્યા
‘અત્યારે ભારત સરકારની મદદ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે MOU કરીને 8 સંસ્થાઓમાં આ સિસ્ટમ લગાવી છે. એ માટે ભારત સરકારે 20 લાખ રૂપિયા પણ આપ્યા છે. અમારી પ્રોડક્ટ બનાવવા માટે મશીનરીનો ખૂબ ખર્ચ થાય એમ હતો. ત્યારે સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ભારત સરકારે ફરી મદદ કરી હતી.’

અમારા હિતધારકો માટે પાણીની પરિસ્થિતિ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ લેખ પુનઃપ્રકાશિત કરવામાં નીરૈનને ગર્વ છે. 
જે પણ શ્રેય લેખકને જાય છે.
આ લેખ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે: -
https://www.divyabhaskar.co.in/dvb-original/news/leaving-the-job-of-big-
package-and-made-a-cheap-device-that-cleans-water-neerain-amit-doshi-131546196.html

અમે સાથી ભારતીયોના લાભ માટે આને ફેલાવવા માંગીએ છીએ.

લેખક: સારથી એમ.સાગર
 
આ તારીખે પ્રકાશિત કરો: જુલાઈ 17, 2023.
Share this: